ઘણા બધા મિત્રોએ આગ્રહ કર્યા પછી અને મને પણ અનિવાર્યતા જણાતા મારી કવિતાનો બ્ગોગ શરૂ કરી રહ્યો છું. ગુજરાતી સાહિત્ય સંક્રાન્તિકાળ અને સાથોસાથ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. બદલતા સમય સાથે તાલ મિલાવવામાં પ્રસ્થાપિત સાહિત્યકારો અને સામાયિકોના તંત્રીઓ નિષ્ફળ નિવડી રહ્યા છે. નવી કલમનું ગળુ દબાવવાનો સિલસિલો નવો નથી જ, પરંતુ નવા માધ્યમો પણ સ્વીકારી શકાયા નથી. કેટલાક તંત્રીઓ બ્લોગ અને ફેસબુકનો ઉપયોગ કરે છે, પણ એ માત્ર પોતાની નબળી કવિતાઓને પ્રસિદ્ધ કરવા માટે જ. વિશેષ કશું નહીં. હજી પણ સાહિત્યીક મેગેઝીનો ઇમેલને બદલે ટપાલથી કવિતા મોકલવાનો આગ્રહ રાખે છે. કેટલાક મેગેઝીનો વળી ઇમેલથી કવિતા સ્વીકારતા થયા છે, પણ તેઓ ટપાલનો વળતો જવાબ આપે છે અને ઇમેલનો નહીં.
જો પ્રસ્થાપિત ગુજરાતી સાહિત્યકારો અને તંત્રીઓ, સંપાદકો, એડીટર્સ ગુજરાતી ભાષાની ખરી સેવા કરવા માગતા હોય તો તેમણે સાહિત્યીક મેગેઝીનોની જેમ સાહિત્યીક બ્લોગ્સ, ફેસબુક ગ્રુપ્સ અને ઓનલાઇન ગુજરાતી પોએટ્રી ક્લબ્સ અને કોમ્યુનિટી શરૂ કરવા જોઇએ. હું સમજુ છું કે અઢારમી સદીમાં જીવતા તથાકથિતો માટે આ બધુ બહુ વધારે પડતું છે. મરીઝને જ્યારે ગુજરાતી સાહિત્યકારો નબળા કવિ માનતા હતા ત્યારે મરીઝ જન્મભૂમીમાં પોતાની ગઝલ છપાવતા હતા. દૈનિકોમાં નબળા કવિઓ છપાવતા હોય છે, પરંતુ દૈનિકોના માધ્યમથી પોતાની કવિતા પ્રસિદ્ધ કરવાથી સારા કવિઓની કવિતાનું અવમૂલ્યાંકન નથી થતું, પરંતુ તે માધ્યમમાં છપાતા કન્ટેન્ટનું સ્તર ઊંચુ આવતું હોય છે. જો ગાલીબ આ દૌરમાં પેદા થયા હોત તો પથ્થરયુગમાં જીવતા સાહિત્યીક સામાયિકોમાં કવિતા મોકલવાને બદલે ગાલીબે પોતાનો બ્લોગ શરૂ કર્યો હોત.
કવિ સમયથી આગળનું લખતો હોય છે ત્યારે તંત્રીઓ અને સંપાદકોએ એટલીસ્ટ સમય સાથે તો ચાલવું જ રહ્યું. જો તેઓ નહીં બદલાય તો ન તો ગુજરાતી કવિઓ મરી જશે, ન ગુજરાતી સાહિત્ય મરી જશે કે ન ગુજરાતી કવિતા... ગુજરાતી સાહિત્યીક મગેઝીનો જરૂર મરી જશે.
ફેસબુક અને બ્લોગ્સ પર નબળા કવિઓ પ્રકાશીત થતા હોવાથી સારી કવિતાઓ પણ જો સીધી આ જ માધ્યમ પર પ્રસિદ્ધ કરવામાં આવે તો તે નબળામાં ખપી જાય છે એવું ઘણા બધા લોકો માને છે, પરંતુ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. સાહિત્યીક સામાયિકોમાં પણ મોટાભાગે છપાતા કવિઓ નબળા અને લાગવગિયા હોય છે. સારા કવિઓએ આ બધી મર્યાદાઓ વચ્ચેથી જ ઊભરી આવવાનું હોય છે.
ફેસબુક કે બ્લોગને માધ્યમ બનાવીને કવિતા પોસ્ટ કરવાથી કવિ નબળો નથી બનતો પરંતુ માધ્યમ વધુ સશક્ત બનતુ હોય છે. જો સારા કવિઓ બ્લોગ્સ પર પોતાની કવિતા પ્રસિદ્ધ ન કરે તો ઇન્ટરનેટ પર કવિતા વાચવાની આદત ધરાવતા લોકોને સારી કવિતા ક્યારેય વાંચવા નહીં મળે.
ફેસબુક તથા બ્લોગ્સ પર પ્લેજરિઝમ યાને કે ઉઠાંતરીનો પણ ડર રહે છે, પરંતુ એ તો જ્યારે આ માધ્યમ નહોતું ત્યારે પણ થતું જ હતું. દરેક કવિતા પોતાનું નસીબ લઈને જન્મી હોય છે. તેની ગંમે તેટલી ચોરી કે ઉઠાંતરી કરવામાં આવે પણ જો એ કવિતાને પોતાના અસલ રૂપમાં યશ મેળવવાનો હશે તો એને પાંચ, પચ્ચીસ, પચાસ કે સો વર્ષે મળી જશે. કવિતાની ચોરી કરતા લોકોનું ભગવાન ભલું કરે.
મને લાગે છે કે હવે હું સારી અને સાહિત્યીક કહી શકાય એવી કવિતાઓ સાવ ફ્રેશ કલ્પનો સાથે લખું છું. એટલે જ ગુજરાતી ભાષાના કવિતાઆશિકો સમક્ષ મારી કવિતાઓ બ્લોગ દ્વારા પ્રસિદ્ધ કરવા ઇચ્છું છું. મારી પદ્યનાડ પર હાથ મૂકીને સૌ મારુ કવિતા-સ્પંદન સાંભળે એવી ઇચ્છા સાથે અને જો કવિતા નબળી લાગે તો મને અવગણે એવા આગ્રહ સાથે... કુલદીપ કારિયા