શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

હવા ચાલી...

ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી


મને પૂછો કે વ્રુક્ષો પર હતા એ પાંદડા ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી


હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની
નદી પર્વત થી ઉતરી તો'ય સાગર પામવા ચાલી


હતા નહિ રાગ અને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય ?
છતાં શેનું હતું આ દર્દ અને શેની દવા ચાલી ?

 
સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરીલો
ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી
-કુલદીપ કારિયા

વરાળ થઇને...

વરસી રહી છે આફત કઈ કાળઝાળ થઈને
સુખ સૌ ઉડી રહ્યા છે જાણે વરાળ થઇને

દરરોજ હું ચણાતો, દરરોજ ધ્વસ્ત થાતો
પ્રત્યેક ક્ષણ જીવું છું, હું કાટમાળ થઇને

ઓચિંતું આવી ચડતા, જીવલેણ થઇ ગયું એ
આવ્યું જો સુખ તો આવ્યું લીલો દુકાળ થઈને

સિક્કા ઘડી રહ્યો છે ખુદને ભૂસી રહ્યો છે
માણસ મટી ગયો છે તું ટંકશાળ થઇને

આધાર મારો લઈને ઈશ્વર ગઝલ વણે છે
હું તો જીવી રહ્યો છું બસ હાથશાળ થઈને

માબાપ માટે એ દુખ અત્યંત આકરું છે
દીકરીએ જીવવાનું કોરું કપાળ થઇને

- કુલદીપ કરિયા

પછી...

પછી સાંજ ઢળશે પછી વાત ઊગશે
પછી આપણા હોંઠ પર રાત ઊગશે


પછી ગીત ગાશે સળગતી સવારો
પછી આંખ બનશે સુરજનો ઉતારો


પછી હું પછી તું પછી ઘર તારું-મારું
હું પથ્થરનો ટુકડો થઈ શું શું વિચારું?


પછી તો બપોરે ન છાંયો જીવાશે
પછી તો રકાબીમાં તડકો પીવાશે

પછી છાંવ ઊગશે ને સૂરજ ટૂંકાશે
પછી રોજની જેમ ઇચ્છા ફુંકાશે


પછી સાંજ ઢળશે પછી વાત ઊગશે
પછી આપણા હોંઠ પર રાત ઊગશે


- કુલદીપ કારિયા

શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2013

આવશે નહીં...

આજે એ હાથ બારણુ ખખડાવશે નહીં
પણ અર્થ એનો એ નથી, એ આવશે નહી

આબોહવા આ દેશની અત્યંત શુષ્ક છે
લીલા સમયને શ્વાસ લેવું ફાવશે નહીં

ઘડિયાળ તૂટે તો સમય તૂટે નહીં, શુકામ?
એવું તને કદી કોઇ સમજાવશે નહીં

કાપ્યા કરું છું હું મને વધેલા નખની જેમ
હદથી વધીશ તો કોઇ બોલાવશે નહીં

પંખો બની વિચાર સૌ માથા ઉપર ભમે
ઉંઘ આવશે નહીં, જો તું સુવડાવશે નહીં

- કુલદીપ કારિયા

ફરી વળવું હતું...

ધૂપસળી જેમ જ અમારે પણ સતત બળવું હતું
મ્હેક થઈને તારું આખું ઘર ફરી વળવું હતું

રણ છું હું કેવીરીતે રોવું તમારી યાદમાં?
હું હિમાલય હોત તો મારે ય ઓગળવું હતું

મુર્ખ ઈચ્છા જો અધુરી ના રહે તો થાય શું?
એક સરોવરને નદીની જેમ ખળખળવું હતું

કઈ તરફ પશ્ચિમ દિશા છે એ જ સમજાયું નહિ
કેસરી અજવાસ પહેરી મારે પણ ઢળવું હતું

કઈ યુગોથી પણ જૂની ખારાશ છોડી ના શક્યો
એક દરિયાને નદીના ધોધમાં ભળવું હતું

- કુલદીપ કારિયા

શબ્દોનો અલ્લાદ્દીન

પેન ઘસું ને પ્રગટે છે જીન
હું છું શબ્દોનો અલ્લાદ્દીન

એ ભાષાનો ચ્હેરો ગમગીન
કાવ્યો જ્યાં છાંટે કેરોસીન

અમે છીએ કે થતા નથી બોલ્ડ
દડા સમયના થયા કરે સ્પીન

કર્કશતાના ચડતા દિવસો
કલરવને મારે સ્ટેપ્લર પીન

વગર ગુનાએ આંખોમાં કેદ
સપનાંને આપી દો જામીન

- કુલદીપ કારિયા

ટૂકડા...

કર્યા છે પત્થર માથે પટકીને રુના ટુકડા
આજે એણે કરી બતાવ્યા આંસુના ટુકડા

ધ્યાન દઈને ચાલો નહીતર વાગી જાશે એ
આખા ઘરમાં વેરાયેલા છે 'હું' નાં ટુકડા

તમે તો એને એન્ટીક કહીને કર્યું પ્રદર્શન તોય
જાણ હતી તમને, એ છે મારા જુના ટુકડા

મારું જીવતર ફરી ખીલે ને સભર બને પાછું
તમે મને જો જોડી આપો ખુશ્બુના ટુકડા

મૌન બહુ બોલે છે એની જીભ કાપી લો કોઈ
હટાવો અહીંથી યાદોના સુના સુના ટુકડા

ઈચ્છા, સપનાં, જીવન બધુય મળ્યું છે ટુકડામાં
ને આખરમાં મળ્યા અમોને મૃત્યુના ટુકડા

- કુલદીપ કારિયા

ટપકતી ક્ષણ...

જગના તમામ સુખ-દુઃખ યાને કે નાના કણ
એનો સરવાળો શ્વાસોનું વિસ્તરતું રણ

મુકો તપેલી ટીપે ટીપે સમય ભરી લો
પાણી નહિ પણ છતમાંથી ટપકે છે ક્ષણ

બચપણમાં મેં એવીરતે પુસ્તક ચોર્યા
કાનૂડાએ જેવીરીતે ચોર્યું માખણ

મારું આખેઆખું જીવન ફક્ત તમારું
તારુ અડધું-પડધુ જીવન છે મારું પણ

મારી ભૂખ તો જમ્યા પછી પણ વધી રહી છે
હું તો મન છું, ચણી રહ્યો છું વિચારનું ચણ

પછી તો ફૂલો કરમાવાનું ભૂલી જવાના
સાંજ પડેને પરત ફરે જો મહેકનું ધણ

- કુલદીપ કારિયા


ડૂબી ગઈ છે એ...

સૂર્ય થઈ કે બોટ થઈ ડૂબી ગઈ છે એ
ને ફરીથી બીજ થઈ ઊગી ગઈ છે એ

એક દી' સુરજની સામે રાત આવી'તી
કાળી થઈ ગઈ એટલું દાઝી ગઈ છે એ

એક ચકલી આજ ઇંડુ ફોડવા ચાલી
સો ટકા માણસનું એઠું પી ગઈ છે એ

જાગૃતિ પાસે કદી પણ ઊંઘ આવે નહીં
શક્ય છે કે જાગૃતિથી બી ગઈ છે એ

ફુલથી નોખી પડીને મ્હેક પ્રસરે છે
ચોતરફ પ્રસરે છતાં થીજી ગઈ છે એ
- કુલદીપ કારિયા

રાજયોગ...

આજે ભલેને ચોતરફ એનો વિરોધ છે
મારી ગઝલની કુંડળીમાં રાજયોગ છે

મેં ખોલી શબ્દસૃષ્ટિની અગિયારમી દિશા
દિગ્પાલને ય એટલી વાતે જ ક્રોધ છે

આવા હજી હજાર અખતરા કરીશ હું
ખુશ્બુ ઉગાડવાનો આ પહેલો પ્રયોગ છે

તારા ઉપર લખી રહ્યું છે કોણ જિંદગી
પૃથ્વી મને જણાવ કે તું કોનો બ્લોગ છે

કુલદીપને તું પી શકે દરરોજ સ્હેજ સ્હેજ
જોજે બહુ પીતો નહીં, એ હેવી ડોઝ છે

- કુલદીપ કારિયા

વિચાર નીકળ્યા...

ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા
ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા

કેટલાક આગિયા સૂરજથી તેજમય હતા
એ વળી રુવા રુવાની આરપાર નીકળ્યા

બ્લેડથી બચી ગયા છતાંય લોહી નીકળ્યું
રુના પૂમડાં હતાં એ ધારદાર નીકળ્યાં

આંખ આસપાસ ડાઘ રૈ ગયા છે આજ પણ
શીતળાની જેમ આંસુ એકવાર નીકળ્યાં

જેવીરીતે કોઇ બેડરૂમમાંથી નીકળે
એરીતે અમે શરીરમાંથી બા'ર નીકળ્યા

- કુલદીપ કારિયા

લાગણીમાં...

એ જ છે પર્વતથી માંડી સાવ નાનકડી કણીમાં
હું જરા હદથી વધુ બોલી ગયો છું લાગણીમાં

જોડવાનું કામ કરવાનું નહીં તો વાગવાનું
એકસરખી શક્યતાઓ પ્રેમમાં ને ટાંચણીમાં

માવઠા, તું આ વખત પડતો નહીં, સોગંદ છે હો
દિકરીના લગ્ન વાવ્યા છે અમે આ વાવણીમાં

કેટલી મીઠાશથી દાઝ્યો છું હું એ કેમ કેહવું
આંગળી બોળી હતી મેં તો ઉકળતી ચાસણીમાં

ક્રુર રેતી બખ્તરોને ધીમે ધીમે પી રહી છે
યાદ સૌ ઘાયલ થઈ મરવા પડી છે છાવણીમાં

- કુલદીપ કારિયા

થાકી ગઈ રકાબી...

બેસી ગયું ખૂણામાં જીવન કુદી કુદીને
થાકી ગઈ રકાબી અવિરત ઉડી ઉડીને

અથવા અપાર દુઃખમાં અથવા અપાર સુખમાં
ભીનો રહે છે પાલવ આંસુ લુછી લુછીને

કેવું લખાણ છે આ? ક્યા ચોકથી લખ્યું છે?
હાંફી ગયું છે ડસ્ટર એને ભૂસી ભૂસીને

હું એ જ માનવી છું વાગ્યો હતો તને જે
રેતી બની ગયો છે પત્થર તૂટી તૂટીને

જયારે હું જીવતો'તો ત્યારે હતો સિગારેટ
આખો ય પી ગયો છું ખુદને ફૂંકી ફુંકીને

- કુલદીપ કારિયા

ખલાસી...

હું કરોડો જન્મથી બંધક બનેલો એક ખલાસી
જિંદગી છે ચાંચિયો ને છે મને એની ઉદાસી

આંખ એવો દેશ છે જ્યાં આત્મહત્યાની પ્રથા છે
રોજ અહીંયા જન્મ લઈ લાચાર સપના ખાય ફાંસી

બેસણુ રાખ્યું છે એનું કોઇ તૂટેલા હૃદયમાં
લાગણી આપણને છોડીને થઈ છે સ્વર્ગવાસી

આભમાં વિહાર નકલી પાંખ પહેરીને કરે છે
પ્લેન જોઈ પંખીઓ કરતા હશે માનવની હાંસી

આટલું મારા પરિચયમાં કહું તો પૂરતું છે
સાવ સીધી છે નજર મારી, ભલે હો આંખ ત્રાંસી

- કુલદીપ કારિયા

વેતાલ...


રાજા કહો કે આમ માણસ બેઉ જણ બેહાલ છે
ખભ્બા ઉપર મેં ઊંચક્યું છે બેગ, +એ વેતાલ છે

બ્રહ્માંડ એક ચાદર સમુ છે જ્ઞાન કંઈ એવું કહે
શ્રદ્ધા કહે છે એ જ ચાદર પર સૂતો ગોપાલ છે

અસ્તિત્વ વાવ્યું જેમણે ખેડૂત એ કેવો હશે?
નોખા ઊગે છે ફળ સતત નોખો નિરંતર ફાલ છે

આઘાત એવો આપ કે ઠંડીમાં પરસેવો વળે
તે ઓઢવા જે શાલ આપી છે એ ભીની શાલ છે

આંસુ અચાનક બાષ્પ થઈ ઊડી ગયા સેકન્ડમાં
તડકો નથી જાણે સુરજના હાથમાં રૂમાલ છે

- કુલદીપ કારિયા

કેલેન્ડર...

હવે દિવસનું ઊગવું લમણાઝીક વગરનું છે
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે

વાત અહીથી લીક થશે નૈ, છોડી દે ટેન્શન
જે ઘરમાં તું બેઠો છે એ ભીત વગરનું છે

આજ ખરેખર જન્મ્યા પહેલા મરી ગયું જંગલ
ઊગી ગયું છે ઝાડ, પરંતુ બીજ વગરનું છે

મારા ઘરનું ડિમોલીશન બહુ જ અઘરું છે
એનું ચણતર ઈંટ અને કોન્ક્રીટ વગરનું છે

તમે નથી તો મર્યો નથી, પણ સાવ અધુરો છું
જાણે કે દરિયાનું હોવું બીચ વગરનું છે

- કુલદીપ કારિયા

ચશ્માં શોધે...


કોઈ ભૂલથી આડે હાથે મૂકી દીધેલા ચશ્માં શોધે
એવીરીતે મારી આંખો બે-ત્રણ જુના સપનાં શોધે

બેઉ જગાએ બરફ ઊગે એ વાત તો બિલકુલ સાચી છે
પરંતુ એવો તર્ક કરીને તું ફ્રિઝરમાં ગંગા શોધે

હું ને ઈશ્વર એકબીજાને એવીરીતે શોધ્યા કરતા
બચ્ચું એની માને શોધે, મા પણ એના બચ્ચાં શોધે

કોઈ એને જાણ કરો કે હું તો મળવાનો આકાશે
મારા પગલાંના આધારે મને ભટકતા રસ્તા શોધે

શબ્દોની અર્થોને લક્ષ્મણ-રેખા સમજી બેઠી દુનિયા
આંખોને હું જેલ કહું તો તરત આંખમાં સળિયા શોધે

- કુલદીપ કારિયા

ઊંધું...

એક વખત મેં ભૂલથી પેર્યું જીવન ઊંધું
પણ તમે દરરોજ પહેરો છો જગત ઊંધું

સાવ સીધું મેં કહ્યું, એ તોય સમજ્યા નૈ
બોલતા જો આવડત તો હું કહત ઊંધું

એટલે ભૂલી ગયા સહુ પ્રેમ કરવાનું
ઇશ્વરે સૌમાં લગાવ્યું છે હૃદય ઊંધું

છે ભરેલું આભ, એને કેમ ઠલવું હું
હાથ પહોંચત તો હું વાદળને કરત ઊંધું

એ તો દરિયામાંથી નીકળે, જાય પર્વત પર
આ જગત એવી નદી જેનું વહેણ ઊંધું

શું વિચારો મ્હેકની માફક પરાધીન છે?
હોય જો ઊંધી હવા ચાલે મગજ ઊંધું

ચેક કરાવી લે પ્રભુ ચશ્માંનાં નંબર તું
આમ સહુને આપમા જીવન સતત ઊંધું

- કુલદીપ કારિયા

મેં દુનિયાને જોઈ છે...

ચશ્માં પહેરેલા ચ્હેરાથી મેં દુનિયાને જોઇ છે
નહીં કે આંખોનાં મહોરાથી મેં દુનિયાને જોઇ છે

ધબકારાની જેમ જ આંખો પાસે પટપટ થયા કરે
પાપણવાળા કેમેરાથી મેં દુનિયાને જોઇ છે

ચાર આંખનો અર્થ પ્રેમ છે એમ કહી તું રોકામા
તે મારાથી ને તારાથી મેં દુનિયાને જોઇ છે

બળતણરૂપે ધીમે ધીમે મરતો સુરજ આખો દી
કિરણોના લીરેલીરાથી મેં દુનિયાને જોઈ છે

તડકા મારા પગમા પડમાં, નથી જરૂરત, આઘો જા
કદી ન ખૂટતાં અંધારાથી મેં દુનિયાને જોઇ છે

કુલદીપ કારિયા

ઓગળી ગયો હશે...

અવાજ દોડવા જતા પડી ગયો હશે
બરફ બનીને સૂર્ય ઓગળી ગયો હશે

સમય સમયનો રંગ છે સફેદ રક્તમાં
દરેક ધુપ છાંવ એ ગળી ગયો હશે

હવે જીવનની શક્યતાઓ ઊડતી નથી
પવન હશે જો શ્વાસ તો પડી ગયો હશે

ફફડતી ગ્રીલ બાલ્કનીમાં એકલી હવે
એ સાંભળીને તું ય ખળભળી ગયો હશે

મનેય હાશ થઈ ગયાની જિંદગી મળી
કબાટથી વિષાદ નીકળી ગયો હશે

- નરેશ સોલંકી અને કુલદીપ કારિયા

યાદ ન કરવાનું ગીત...

એ વાતોને યાદ નથી કરવી

કોઇ કોઇ વાર કોઇ યાદ એમ આવે કે ભૂલેલી ડાળ થાય તાજી
પાંદડાંને ખરતા જોઇ ફફડેલા ટહુકાઓ વૃક્ષોને બેઠા છે બાઝી

હવે ખિસ્સામાં આગ નથી ભરવી

પોપડીઓ થઈને કંઈ દિવાલો ખરતી ને મારામાં ખરતીતી રાત
મારે વસંત શું ને મારે શું પાનખર હું તો છું ટેબલની જાત

આ ખાલી હથેળી શું ધરવી

લાદી પર ઢોળાયેલ પાણીને જોઇ થયું ઘરને પણ આવે છે આંસુ
ઘરને પણ ઝેરીલો ડંખ નથી વાગ્યોને લાવ જરા સરખું તપાસું

એ જ વેળા એકલતા ખરવી

એ વાતોને યાદ નથી કરવી

- નરેશ સોલંકી અને કુલદીપ કારિયા(સંયુક્ત ગીત)

સ્મૃતિપાત્ર

ચોકડીમાં મૂક્યું છે સ્મૃતિપાત્ર
યુગો પછી ઉતાર્યું અભેરાઈ પરથી
બહુ બધી યાદો બાઝી ગઈ છે
નવી મેમરી સીવાય
પણ રાખવી ક્યાં
તે થયું લાવ આજે સ્મૃતિપાત્ર ધોઈ નાખુ
મારા શ્વાસથી ઘસુ
આંસુથી વિછરુ
સરખુ નહીં ધોવાય તો ચાલશે
પણ તારા નકારના પડઘા તો જવા જ જોઇએ
ભલે મારા હાથ ઓગળી જાય

કુલદીપ કારિયા

મૃગજળ ઘરે ઘરે...

અહીંયા સૌને હરણા માફક તરફડવાનું આપ્યું છે
મૃગજળને કેનાલ થકી તેં ઘરે ઘરે પહોંચાડ્યું છે

દુઃખના દિવસો વિચાર જેવા, ખૂંટે નહીં કેમે પણ
સમય ચાલતો એમ કે એના પગમાં બહુ જ વાગ્યું છે

સોની નોટની સાથે બે ત્રણ સ્મરણો સંઘરી રાખ્યા પણ
કહો નવું હું ક્યાંથી લાવું ધબકતું પાકીટ ફાટ્યું છે

મરણ દાટતી આખી દુનિયા હું દાટું છું થોડા બીજ
હજાર થઈને ઉગી નીકળશે એમ જીવનને દાટ્યું છે

મારા સપના લાદી કે સૌ પગ મૂકે છે એના પર
કોઇના પગલાં થીજી ગયા તો કોઇનું તળિયું દાઝ્યું છે