શનિવાર, 9 માર્ચ, 2013

માના રસાળ સ્તનમાં...

ડેલો ટપીને ઇચ્છા ઘુસતી રહે છે મનમાં
કાઢુ છતાંય વાદળ પાછા ફરે ગગનમાં

ઘીની સુગંધ માફક પ્રસરી ગયો બધે હું
આહુતિ જાતની મેં આપી હતી હવનમાં

પ્રત્યેક સ્ટેશને હું ઉતરુ છું થોડું થોડું
ખુશ્બુની જેમ હું પણ બેસી ગયો પવનમાં

એવીરીતે જગતમાં આવી ગયા છે લોકો
સસ્તા અનાજ માફક જીવન મળે કૂપનમાં

વાયુ સ્વરૂપ ખુશ્બુ અભિસારીકા સદેહે
ને છે પ્રવાહી, જીવન માના રસાળ સ્તનમાં

કુલદીપ કારિયા

શુક્રવાર, 8 માર્ચ, 2013

સ્મૃતિપાત્ર

ચોકડીમાં મૂક્યું છે સ્મૃતિપાત્ર
યુગો પછી ઉતાર્યું અભેરાઈ પરથી
બહુ બધી યાદો બાઝી ગઈ છે
નવી મેમરી સીવાય
પણ રાખવી ક્યાં
તે થયું લાવ આજે સ્મૃતિપાત્ર ધોઈ નાખુ
મારા શ્વાસથી ઘસુ
આંસુથી વિછરુ
સરખુ નહીં ધોવાય તો ચાલશે
પણ તારા નકારના પડઘા તો જવા જ જોઇએ
ભલે મારા હાથ ઓગળી જાય

કુલદીપ કારિયા

મૃગજળ...

તરસ લગાડી હરણા માફક તરફડવાનું આપ્યું છે
મૃગજળને કેનાલ થકી તેં ઘરે ઘરે પહોંચાડ્યું છે

દુઃખના દિવસો વિચાર જેવા, ખૂંટે નહીં કેમે પણ
સમય ચાલતો એમ કે એના પગમાં બહુ જ વાગ્યું છે

સોની નોટની સાથે બે ત્રણ સ્મરણો સંઘરી રાખ્યા પણ
કહો નવું હું ક્યાંથી લાવું ધબકતું પાકીટ ફાટ્યું છે

મરણ દાટતી આખી દુનિયા હું દાટું છું થોડા બીજ
હજાર થઈને ઉગી નીકળશે એમ જીવનને દાટ્યું છે

મારા સપના લાદી કે સૌ પગ મૂકે છે એના પર
કોઇના પગલાં થીજી ગયા તો કોઇનું તળિયું દાઝ્યું છે
- કુલદીપ કારિયા

મારી આંખો...

બે વર્ષની ઉંમરે મારી આંખો 75 વર્ષની બની ગઈ
કાળી કિકિમાં પડ્યો સફેદ કીડો
ખાઇ ગયો મારી અડધી દ્રષ્ટિ
સપના જન્મે
જર્જરીત ઇમારતમાં
કાચની દ્રષ્ટિ
કાચના સપના
ક્યારેક તૂટી જાય
મારે એમાંથી ગળાઇને આવતા પ્રકાશ વડે જોવાનું
કદાચ એટલે જ
બધા દ્રશ્યો મને ઇન્દ્રધનુષી લાગે છે

કુલદીપ કારિયા

સમય બરફ હતો...

પીગળી ગયો કે આ સમય બરફ હતો
ફ્લોર ટળવળે હવે તો સૂર્ય છત હતો

આજ રોવડાવવામાં મોજ બહુ પડી
નળ બની ગયું હૃદય ને હું તરસ હતો

જે દિશામાં જોઉ ત્યાં બધે જ રોડ છે
શોધતો રહ્યો કે પગ કઈ તરફ હતો

હું વિચાર પર સવાર થઇ તરી ગયો
તૂટી ગયેલા સ્વપ્નની એ લાગવગ હતો

વાદળાને જો અડું તો ચીસ નીકળે
મેઘ જાણે કે ગગનની દુઃખતી રગ હતો

દ્રષ્ટિ દુકાળ થઇ ગઇ...

તારા ઉપર પડી તો દ્રષ્ટિ દુકાળ થઇ ગઇ
તડકો જરા અડ્યો તો વાચા વરાળ થઇ ગઇ

સમથળ સપાટ ધરતી ફફડી તો ઢાળ થઇ ગઇ
ઇચ્છા બધીય એમ જ તૂટેલ ડાળ થઇ ગઇ

પીધી છે જ્યુસ માફક મેં જિંદગીને કાયમ
કવિતા મળી ગઈ તો પીડા રસાળ થઇ ગઇ

એ પેટ તો ભરે છે પણ ફી ભરી શક્યો નૈ
એને તરસ મળી ગઇ, પાટી નિશાળ થઇ ગઇ

બિગબેન્ગ જેવી ઘટના ફુલમાં ઘટી ગઈ છે
બ્રહ્માંડ જેમ પ્રસરી ખુશ્બુ વિશાળ થઇ ગઇ

સપના કે ઊંઘમાંથી કોનો છે દોષ, બોલો
આંખો જરા ખૂલી તો હર ચીજ ગાળ થઇ ગઇ

કુલદીપ કારિયા